ગરવી ગુજરાતના સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક હતા

 


આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી...

મહાશિવરાત્રિનો એ દિવસ હતો.માતાના આગ્રહથી ચૌદ વર્ષના કિશોર મૂળશંકરે દિવસભર ઉપવાસ કરીને શિવરાત્રિનું વ્રત કર્યું હતું. રાત્રે તે પિતા સાથે શિવાલયમાં પૂજા કરવા ગયો હતો. મોડી રાત્રિ સુધી શિવલિંગ સામે બેસીને ૐ નમઃ શિવાય'નો પંચાક્ષર મંત્ર એકાગ્ર ચિત્તે તે રટતો હતો. એટલામાં એક ઉંદર આવીને શિવલિંગ પર ચડી ગયો અને તેના પર ચડઊતર કરવા લાગ્યો. ભગવાન શિવને ધરવામાં આવેલો પ્રસાદ ખાવા લાગ્યો. મૂળશંકરને આ દશ્ય જોઈને આધાત લાગ્યો. ત્રિલોકના નાથ ભગવાન શંકરની કોઈ પરવા ન કરતા ઉંદરને જોઈને એ

ઊંડા વિચારમાં પડી ગયો.

ઘેર આવીને તેણે માતાને કહ્યું : મૂર્તિપૂજા તૂત છે. જો આ શિવલિંગ એ જ શંકર ભગવાન હોય તો આવું બને જ કેવી રીતે? માતાની પાસે તેનો કોઈ ઉત્તર ન હતો. મોડી રાત સુધી તેને ઊંઘ ન આવી. નિદ્રાધીન પિતાને એણે મધરાત્રે જગાડ્યા અને તેમને અનેક પ્રશ્નો કર્યા. મૂળશંકરના મનમાં આવું મનોમંથન ચાલતું હતું ત્યાં એની એક નાની બહેનનું અકાળે અવસાન થયું. થોડા જ વખતમાં એના એક કાકાનું પણ અવસાન થયું. થોડા સમય બાદ વળી બીજા કાકાનું મૃત્યુ થયું. હવે તેને આ સંસારમાં રસ રહ્યો ન હતો. અને વહેલી તકે ગૃહત્યાગ કરીને યોગની સાધના કરવાની, જીવન અને મૃત્યુ પર વિજય મેળવવાની તેને ધૂન લાગી.

મૂળશંકરનાં વર્તન અને વ્યવહા૨માં થયેલા ફેરફાર માતાપિતા વરતી ગયાં. એટલે તેમણે તેનું લગ્ન કરી નાખવાનું નક્કી કરી નાખ્યું- જેથી મૂળશંકરનું ચિત્ત કંઈક સંસારમાં ચોટે. પણ વ્યર્થ ! આખરે ૨૨ વર્ષની વયે સંવત ૧૯૦૨ના જેઠ મહિનાની એક સાંજે એ ઘર છોડીને ચાલી નીકળ્યો. ઘર છોડ્યા પછી છસાત ગાઉ તો મૂળશંકરે અટક્યા વિના ચાલ્યા કર્યું. એ પછી એ આરામ લેવા માટે થોભ્યો, ત્યાં એક બાવાઓની જમાતની સાથે તેનો ભેટો થઈ ગયો. મૂળશંકરના શરીર પર સંસારીનાં વસ્ત્ર અને આંગળીમાં વીંટી જોઈને બાવાઓએ તેની ઠેકડી ઉડાડી. એટલે મૂળશંકરે વસ્ત્રાભૂષણો ફગાવી દીધાં અને એક લંગોટીભેર આગળ ચાલ્યો. રસ્તામાં તેને લાલા ભગતરામ નામના એક સંન્યાસી મળ્યા. તેમણે મૂળશંકરને દીક્ષા આપી અને તેનું નામ શુદ્ધ ચૈતન્ય રાખ્યું. શુદ્ધ ચૈતન્ય સંન્યાસી સાથે બધે ફરવા લાગ્યો, પરંતુ એના મનનું, એના પ્રશ્નોનું સમાધાન થતું ન હતું. એણે સાંભળ્યું કે સિદ્ધપુરમાં મેળો ભરાવાનો છે. કોઈક જ્ઞાની ગુરુ મળી જશે એવી આશાથી તે સિદ્ધપુર ગયો.

સિદ્ધપુરમાં તેણે નીલકંઠ મહાદેવના મંદિરમાં ઉતારો કર્યો. ત્યાં તેના પિતા તપાસ કરતાં આવી પહોંચ્યા. તેને ખૂબ ઠપકો આપ્યો. પિતાએ એની ભગવી કંથા ફાડી નાખી. તેને પાછો લઈ આવવા કડક જાપ્તા હેઠળ તજવીજ કરી, પરંતુ તક જોઈને શુદ્ધ ચૈતન્ય સ્વામી નાસી છૂટ્યા. ત્યાર બાદ પરમહંસ પરમાનંદ તેમ જ ચિદાનંદ સંન્યાસી પાસે પણ દીક્ષા મેળવવા તેણે પ્રયત્ન કર્યો પણ તેને નિરાશા જ થઈ.

આખરે દક્ષિણના એક પ્રસિદ્ધ દંડી સંન્યાસી નર્મદાતટે થઈને દ્વારિકાની યાત્રાએ જાય છે એવા સમાચાર મળતાં સંન્યાસી પગપાળા ફરવા માંડ્યા. તેમની સાથે એ જોડાઈ ગયો. દંડી સ્વામીના જ્ઞાનથી એ પ્રભાવિત થયો. દંડી સ્વામીને પણ એની તરફ ભાવ જાગ્યો હતો. દંડી સ્વામીનું નામ પૂર્ણાનંદ સરસ્વતી હતું, શુદ્ધ ચૈતન્યને એમણે સંન્યાસની દીક્ષા આપી. તેમને દયાનંદ સરસ્વતી એવું નામ આપી પોતાના સંપ્રદાયનો સંન્યાસદંડ આપ્યો. આમ ૨૪ વર્ષની વયે મૂળશંકર ત્રવાડીમાંથી બ્રહ્મચારી શુદ્ધ ચૈતન્ય બનેલો યુવાન સંન્યાસી દયાનંદ સરસ્વતી બની ગયા. હવે દયાનંદે ભારતભૂમિનું પરિભ્રમણ શરૂ કર્યું હતું. ઘર મૂક્યું, ગામ મૂક્યું, પ્રાંત મૂક્યો અને સુખ અને એશ-આરામ પણ મૂક્યા.

સત્યની શોધની પરિભ્રમણની કથા રસભરી છે બોધક છે. એક સાહસવીરને શોભે તેવી છે. ગંગા, યમુના અને નર્મદાની પરિક્રમાઓ, આબુ, હિમાદ્રિ અને વિંધ્યાચળની પ્રદક્ષિણાઓ, તીર્થધામોનાં સતત પર્યટનો ? એકાંત ગુફાઓના નિવાસ, લૂંટી લેતા સાધુઓ અને જડ કર્મકાંડીઓ, ઉગ્ર અધોરીઓ, શુષ્ક પંડિતગુરુઓ અને જલદ જ્ઞાનીઓનો ભેટો. ભૂખ, તરસ, ટાઢ, તાપ અને વર્ષાનો મુકાબલો ... એવી અનેક રોમાંચસામગ્રીઓથી ભરપૂર એ ભ્રમણકથાઓ છે. પ્રકૃતિ અને માનવસ્વભાવનો કયો ખૂણો એ પરિવ્રાજકને અજાણ્યો હશે ?

હિમાલય છોડી દયાનંદ પાછા ફર્યા. વર્ષોની તપસ્યાએ એમના દેહને અદ્ભુત કાંતિ આપી હતી. સોળ સોળ વર્ષની એ રઝળપાટમાં દયાનંદે ભારત દેશની દુર્દશા નજરે જોઈ. દેશોમાં વ્યાપી ગયેલાં અંધકાર અને અજ્ઞાન પણ એમણે જોયાં. દંભ, પાખંડ અને વિલાસને સમાજમાં પ્રસરેલા જોઈને એમનો આત્મા કકળી ઊઠ્યો . શ્રમજીવીઓનું શોષણ કરતા શ્રીમંતો જોયા, પ્રજાને વજ્રની એડીએ ચગદી નાખતી વિદેશી સત્તા એમણે જોઈ. ૧૮૫૭નો મુક્તિસંગ્રામ એમણે નજરે નિહાળ્યો. દયાનંદે દેશભરમાં પ્રવાસ શરૂ કર્યો. આગ્રા મુકામે એમણે પહેલું પ્રવચન આપ્યું. પછી ગ્વાલિયર, અજમેર અને હરિદ્વાર અહીં તેમણે પહેલી જ વાર વેદ સિવાયના અન્ય ગ્રંથોને શાસ્ત્રો તરીકે સ્વીકારવાનો ઇન્કાર કર્યો. કુંભમેળામાં એમણે જ્ઞાન વિનાના પંડિતો જોયા ધૂર્ત મહંતો જોયા અને માયકાંગલા લોકો જોયા. આ બધાં અનિષ્ટોને મૂળમાંથી જ ઉખેડી નાખવાની એમને જરૂર જણાઈ. આ માટે શક્તિ મેળવવ ફરી હિમાચલ ગયા. પૂરા એક વર્ષની તપશ્ચર્યા કરીને પાછા ફર્યા. હવે એમની પાસે પોતાના કાર્યક્રમનો સ્પષ્ટ નકશો હતો, તે લગભગ આ મુજબ

હતો :

૧. ધર્મને નામે ચાલી રહેલી માન્યતાઓ અને ખોટા સિદ્ધાંતોનો વિરોધ કરવા પ્રવચનો કરવાં. ૨. વેદધર્મના કાર્યના પ્રચાર પાછળ જીવન સમર્પિત કરી શકે તેવા યુવકો તૈયા૨ ક૨વા. ગુરુકુળો સ્થાપવાં. ૩. વેદધર્મ શું છે એ સામાન્ય પ્રજા સમજી શકે તે માટે વેદધર્મનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં પ્રસિદ્ધ કરવું. વેદના સંસ્કૃત ગ્રંથનું હિન્દીમાં ભાષાંતર કરવું.

મહર્ષિ દયાનંદનાં વક્તવ્યોથી સનાતનીઓમાં ખળભળાટ મચી ગયો. તેમના વિરુદ્ધ ઘણો પ્રચાર થયો. દયાનંદે તેની સામે પડકાર કર્યો. પરિણામે કાનપુરમાં એક વિવાદસભા યોજાઈ. એ સભામાં દયાનંદે પ્રતિસ્પર્ધીઓની દલીલોનું અસરકારક રીતે ખંડન કર્યું. પરિણામે કાનપુરમાં એમનો પ્રશંસક વર્ગ વધી ગયો. ત્યારબાદ એમણે કાશી અને કલકત્તામાં પણ તીખાં પ્રવચનો કરીને ખળભળાટ મચાવી દીધો. ત્યારથી ફરૢખાબાદ, અલીગઢ, વૃંદાવન, મથુરા, અલાહાબાદ, નાસિક અને જબલપુર ગયા. ઈ.સ. ૧૮૭૪માં એ મુંબઈ પહોંચ્યા. અહીં દયાનંદ સામે મોટો વિરોધ જાગ્યો. અસહિષ્ણુ લોકોએ એમને મારી નાખવા વિષપ્રયોગ પણ કર્યો, પણ દયાનંદજી ઝેરને પણ પચાવી ગયા.

સ્વામીજીનું જનજાગૃતિનું આ કાર્ય ખૂબ કપરું હતું. અજ્ઞાન અને અંધશ્રદ્ધાના સામે પૂરે તરવાનું આ અતિવિકટ કાર્ય હતું. તેમને એમ લાગ્યું કે પોતાનું જીવનકર્તવ્ય પાર પાડવા માટે કોઈ વાહક સંસ્થાની જરૂર છે. ઈ.સ. ૧૮૭૫ના એપ્રિલની ૧૦મી તારીખે એમણે મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. આમ છતાં દયાનંદજીએ તેનું ક્યારેય પ્રમુખપદ સ્વીકાર્યું નહિ. આર્યસમાજ સંસ્થા પછીનાં વર્ષોમાં તો ફૂલીફાલીને વટવૃક્ષ સમી બની. હવે દયાનંદજી એકલા ન હતા. હવે તેમની આસપાસ અનુયાયીઓનું વ્યાપક મંડળ હતું. હવે તેમની પાસે એક સંગઠન હતું. મુંબઈ ઉપરાંત એમનું એ સંગઠન ઠેરઠેર સ્થપાયું. પુણેમાં મહાદેવ ગોવિંદ રાનડે જેવા અગ્રણીઓ દયાનંદની છાયા સ્વીકારતા થયા. પુણેમાં એમનું ભારે સન્માન થયું.

ઈ.સ. ૧૮૭૭માં દયાનંદ પંજાબ ગયા. ત્યાં એમણે અનેક વ્યાખ્યાનો આપ્યાં. તેની લોકો પર અસામાન્ય અસર થઈ. એ વ્યાખ્યાનોમાં પ્રચંડ મેદની એકત્ર થવા લાગી. બે મહિનામાં તો એમનો વિજયડંકો વાગ્યો. પંજાબમાં સ્થળે સ્થળે આર્યસમાજની સ્થાપના થવા લાગી. એ આખું વર્ષ પંજાબ રહ્યા. દયાનંદની દષ્ટિ રાજસ્થાન પર હતી. રાજસ્થાનમાં એ વિવિધ સ્થળે ફર્યા. આખરે ઈ.સ. ૧૮૮૩ના મે માસમાં તેઓ જોધપુર ગયા. જોધપુરના મહારાજાએ દયાનંદના પ્રભાવ હેઠળ વ્યસનો અને વિલાસ ત્યજવા માંડ્યાં હતાં. આ મહારાજાની એક માનીતી વારાંગન હતી. નામ હતું- નન્નીજાન. મહારાજ જો વિલાસ છોડે તો એનું સ્થાન ટકે નહિ. એટલે એણે મહર્ષિ દયાનંદનું કાસળ કાઢી નાખવા યોજના કરી દયાનંદજીનો રોજ રાત્રે સૂતી વખતે એક કટોરો દૂધ પીવાનો નિત્યક્રમ હતો. એ મુજબ સંવત ૧૯૩૯ની કાળી ચૌદશની રાત્રિએ એમનો રસોઇયો જગન્નાથ એમને દૂધ આપી ગયો. એ દૂધમાં કાળફૂટ ઝેર ભેળવેલું હતું. થોડી વારમાં સ્વામીજીને પેટમાં બળતરા થવા લાગી. એમને

શંકા પડી ગઈ કે એમને ઝેર અપાયું છે. ઊલટીઓ થવા લાગી. બીજે દિવસે પણ ઊલટી ચાલુ રહી.

એમણે જગન્નાથને બોલાવ્યો, જગન્નાથે સાચી હકીકત કહી દીધી. ખૂબ પશ્ચાત્તાપ કર્યો અને રડતાં રડતાં માફી માગી. ત્યારે સ્વામીજીએ કહ્યું : જગન્નાથ, મને મરવાનો અફસોસ નથી, પણ મારું કાર્ય અધૂરું રહી ગયું. તને ખબર નથી કે લોકહિતને આથી કેવી હાનિ પહોંચશે. ખેર, જેવું મારું ભાગ્ય. મારી પાસે થોડા રૂપિયા છે. તું એ લઈને નાસી છૂટ. જોધપુરના મહારાજા જાણશે તો તારા રાઈરાઈ જેટલા ટુકડા નાખશે. તું નેપાળ નાસી જા. તારો જીવ બચાવ. મારા તરફથી કોઈ ભય રાખીશ નહીં.' દયાનંદજીનો જીવનદીપ બુઝાઈ ગયો, પરંતુ એમણે

પ્રગટાવેલો પ્રેરણાદીપ સદાય પ્રકાશતો રહેશે.

Post a Comment

Previous Post Next Post